“You cannot step into the same river twice, for other waters are continually flowing on.” – Heraclitus
હિરાકલીટસ નામના ગ્રીક ફિલોસોફરે કહેલું કે તમે એની એ જ નદીમાં ફરીવાર પગ બોળી શકો નહીં, કારણકે ત્યાં સુધીમાં નદીનું વહેણ આગળ વધી ગયું હોય અને તમે જેમાં પગ બોળી રહ્યા હો એ જુદું જ પાણી હોય અને તમે પણ એ જ વ્યક્તિ ન રહ્યા હો. આ વાત નદીના પ્રતિકથી સતત વહેતા જીવનના પ્રવાહની વાત કહે છે, સતત પરિવર્તન એ જ નિયમ છે. અથવા એમ પણ કહી શકો કે સતત વહેવું, આગળ વધતા રહેવું એ જ જીવંતપણાની નિશાની છે. ફેરફાર, પરિવર્તન એ જ ચૈતન્યનો, અસ્તિત્વનો સ્વભાવ છે.
નદીની જેમ સહજ વહી શકવું, એ શું શક્ય છે? સહજ, સરળ રીતે સતત આગળ વહેતા રહેવા માટે કોઈ પૂર્વશરત તો રાખી શકો નહીં. મનમાંથી શ્રધ્ધાનો પણ ત્યાગ કરવો પડે. એવી શ્રધ્ધા, જે સતત મનને ટેકો આપ્યા કરે છે કે આગળ બધું સારું જ થવાનું છે. એ આશાનો પણ ત્યાગ કરવો પડે, જે મનને એક જાતની સેફ્ટી નેટ આપે છે કે કોઈ છે, ઈશ્વર, કુદરત, પરમ શક્તિ કે પછી કોઈ પણ નામ આપો, જે બધું સારું નહીં હોય તો પણ સારું કરી દેશે. આપણને હકારાત્મક અભિગમ રાખવાનું કહેતી દરેક ફિલોસોફી, આપણને આશાની, શ્રધ્ધાની સાંકળોથી બાંધવાનું કામ કરે છે અને આપણે ક્યારેય સાચા અર્થમાં મુક્ત થઈને જીવી શકતા નથી. સરળ, સહજ થવું એટલે જે જીવન આપણી સામે લઈને આવે એનો બિનશરતી સ્વીકાર. ઘણાંને એવું લાગશે કે આ એક જાતની નિષ્ક્રિયતા છે તો એ સાચું નથી. આપણી ક્રિયાશીલતા ઘણી વખત જીવનને વધુ ગૂંચવી નથી દેતી?
નદીની જેમ વહેવું, જીવવું એટલે આગળના માર્ગમાં આવનારા દરેક અવરોધો, ઉતાર, ચઢાવ, વળાંકોનો સહજતાથી સ્વીકાર. દુઃખી, હતાશ, લાચાર મનથી નહીં પણ સ્વસ્થ સભાનતાથી કે આ જ જીવન છે, પળે પળે બદલાતું, પડકારોથી ભરપૂર, સુખદ અને દુઃખદ ક્ષણોથી શોભતું. અને આ આવું છે એટલે જ આપણે જીવંતતાનો અનુભવ કરી શકીએ છીએ.
અસ્તુ.
~નેહલ (22/6/22)
Like this:
Like Loading...
Reblogged this on Nehal's World and commented:
Hope you like to visit my site in Gujarati.
LikeLike